સરદાર તમે પાછા આવોને

રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

કોઈ દલિત નેતા, ને કોઈ છે ઓબીસી,
આદીવાસી,સવર્ણ તો કોઈ પાટીદાર,
ચોકા રચે છે અહી લોકશાહી લજવવા ,
કર્તવ્યો ભૂલીને સહુ માંગે અધિકાર.

આ હૂંસાતૂંસીમાં સમાજના ટુકડા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

કોઈ કાશ્મીર માંગે, કોઈ માંગે બોડોલેન્ડ,
કોઈ બુંદેલખંડ માંગે,તો કોઈ ગોરખાલેન્ડ,
કોઈ મરાઠી માણુષ થઈ ધમકીઓ આપે,
સહુ ભૂલી ગયા ભારત છે અવર મધરલેન્ડ.

સહુ દેશદાઝ વતનપ્રેમથી સૂકા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.

12th Fail

બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે. પરંતુ આ હકીકત છે જેને સાબિત કરી બતાવ્યું છે મુરેનાનાં એક સામાન્ય પરિવારના યુવકે જેનું નામ મનોજ શર્મા છે. મનોજ શર્મા અત્યાકે મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. અંગ્રેજીમાં લખવામાં આવેલી આ પુસ્તકનું નામ “12th fail” છે અને અનુરાગ પાઠકે આ પુસ્તક લખ્યું છે. અનુરાગ પાઠક 15 વર્ષો સુધી મનોજ શર્માના રૂમ પાર્ટનર હતાં. પુસ્તકમાં શર્માના વ્યક્તિતત્વની ખૂબી-ખામી અને નબળાઈ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અભ્યાસમાં ઝીરો હોવા છતાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને પોતાના લ્ક્ષ્યાંક સુધી પહોંચવાની જીદ. મનોજ શર્માએ નિષ્ફળતાઓને પાછળ મૂકીને સંઘર્ષ કરતા રહ્યાં અને સતત આગળ વધવાની જીદ હતી જે 12મા ધોરણમાં નાપાસ થવા હોવા છતાં આઈપીએસ બની ગયા.

લેખક અનુરાગ પાઠતના જણાવ્યા પ્રમાણે, શર્મા તેમની પુસ્તકનો હીરો છે અને તેમના પર લખવામાં આવેલી પુસ્તકનો ઉદ્દેશ્ય અભ્યાસ અને પરીક્ષાથી ડરતાવિદ્યાર્થીઓને હિંમત આપવાનો અને એક નવી આશા બતાવવાનો છે. ખાસ કરીને નિષ્ફળતાને પચાવીને કેવી રીતે તેને સફળતામાં બદલી શકાય છે તે મનોજ શર્મા પાસે શીખવાની જરૂર છે.

12મા ધોરણમાં નિષ્ફળતા જ મનોજ શર્મા માટે સફળતા બની. બન્યું એવું કે તે વર્ષે મુરેનામાં એવા (સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ)SDM આવ્યા હતા, જેમણે નકલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, નહીં તો મનોજ શર્મા પણ બીજા વિદ્યાર્થીઓની જેમ પાસ થઈ જતા. આવા સંજોગોમાં દરેક વિદ્યાર્થીઓને ડીએમનનેનાપસંદ કરતાં હતા પરંતુ મનોજ શર્માએ તેમના જેવું જ બનવાનું નક્કી કરી લીધું અને ત્યારબાદ તેમનો સંઘર્ષ શરૂ થયો અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધતા રહ્યા. પરંતુ આ તમામ બાબતો એટલી સરળ નહોતી. કેમ કે, તેમની આર્થિક સ્થિતિ નબળી હતી.

આર્થિક સમસ્યાને દૂર કરવા માટે શર્માએ પૈસાદાર લોકોના કૂતરાઓની સારસંભાળ રાખતા હતાં. લાઈબ્રેરીમાં પણ કામ કર્યું. પરંતુ તેઓ ક્યારે હિંમત ન હાર્યા. ધોરણ 12 પાસ કરીને, ડિગ્રી પ્રાપ્ત કરી અને બાદમાં માસ કોમ્યુનિકેશનમાં પીએચડી પણ કરી. સિવિસ સર્વિસની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થયા. તેઓ વર્ષ 2005માં આઈપીએસ બન્યા હતા. આજે તેઓ બધા માટે એક મિસાલ બની ગયા છે. નિષ્ફળતાઓ હોવા છતાં તેમને ક્યારે હાર નથી માની.

ચોરી

“સર, ઓળખ્યો મને? હું વિશ્વાસ! તમારો ચાળીસ વર્ષ પહેલાંનો વિદ્યાર્થી!”
“ના, રે! હવે બરોબર દેખાતું પણ નથી, અને આજકાલ યાદ પણ નથી રહેતું. પણ એ વાત જવા દે, તું કહે, શું કરે છે આજકાલ?”
“સર, હું પણ તમારી જેમ જ શિક્ષક થયો છું.”
“અરે વાહ! ખરેખર? પણ શિક્ષકોના પગાર તો કેટલા ઓછા હોય છે! તને વળી શિક્ષક થવાનું ક્યાંથી સૂઝ્યું?”
“સર, તમને કદાચ યાદ હશે, આપણા વર્ગનો ત્યારનો આ પ્રસંગ… જેમાંથી તમે મને બચાવ્યો હતો. બસ, ત્યારથી જ મેં તમારા જેવા જ શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું.”
“એમ? એવું તે શું બન્યું હતું આપણા વર્ગમાં?”
“સર, આપણા વર્ગમાં અક્ષય નામનો એક પૈસાદાર ઘરનો છોકરો હતો. એક દિવસ તે કાંડા ઘડિયાળ પહેરીને શાળાએ આવ્યો હતો. અમારામાંથી કોઈ પાસે ત્યારે કાંડા ઘડિયાળ ન હતી. મને તે ઘડિયાળ ચોરી લેવાની ઈચ્છા થઈ. રમતગમત ના સમયે મેં જોયું કે તેણે કાંડા ઘડિયાળ કાઢીને કંપાસ બોકસમાં મૂકી. બસ, યોગ્ય મોકો જોઈને મેં તે ઘડિયાળ ખિસ્સામાં મૂકી દીધી. એ પછી તરત જ તમારો વર્ગ હતો. તમે વર્ગમાં આવ્યા કે તરત અક્ષયે તમારી પાસે તેની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ કરી.
સહુથી પહેલાં તો તમે વર્ગનું બારણું અંદરથી બંધ કર્યું. પછી બોલ્યા, ” જે કોઈએ ઘડિયાળ લીધી હોય, તે પાછી આપી દે. હું તેને કંઈ સજા નહીં કરું.” મારી હિંમત ન થઈ કારણ કે એ ચોરેલી ઘડિયાળ મેં પાછી આપી હોત તો જિંદગીભર બધાંએ મને ચોર તરીકે હડધૂત કર્યો હોત.
પછી તમે કહ્યું, “બધા એક લાઈનમાં ઊભા રહો અને આંખો મીંચી દો. હવે હું બધાંનાં ખિસ્સાં તપાસીશ. પણ બધાંનાં ખિસ્સાં તપાસાઈ જાય ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવી નહીં.
તમે એક એક ખિસ્સું તપાસતા, મારી નજીક આવ્યા. મારી છાતીમાં ધબકારા વધી ગયા. તમે મારા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી, પણ છતાં, બાકીના બધા વિદ્યાર્થીઓનાં ખિસ્સાં પણ તમે તપાસ્યાં અને પછી અમને સહુને આંખો ઉઘાડવા જણાવ્યું.
તમે એ ઘડિયાળ અક્ષયને આપી અને કહ્યું, “બેટા, હવે પછી ઘડિયાળ પહેરીને વર્ગમાં ન આવતો.” પછી ઉમેર્યું,” અને જેણે કોઈએ એ લીધી હતી, તેણે ફરી આવું ખોટું કામ કરવું નહીં.” બસ, પછી તમે રાબેતા મુજબ શીખવવાનું કામ શરૂ કરી દીધું. ત્યારે તો નહીં જ, પણ ત્યાર બાદ મેં શાળાંત પરીક્ષા પાસ કરીને શાળા છોડી ત્યાં સુધી ક્યારેય ન તમે મારી ચોરીનો ઉલ્લેખ કર્યો, ન એ તમારા વર્તનમાં બતાવ્યું! સર, આજે પણ તે યાદ કરીને મારી આંખો ભરાઈ આવે છે. બસ, ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે તમારા જેવો જ શિક્ષક બનીશ – અને જુઓ, બન્યો પણ ખરો!”
“અરે… હા, હા! મને યાદ છે એ ઘટના! પણ મને આ ક્ષણ સુધી ખબર ન હતી કે એ ઘડિયાળ મેં તારા ખિસ્સામાંથી કાઢી હતી… કારણ કે તમારાં ખિસ્સાં તપાસાઇ ન જાય ત્યાં સુધી મેં પણ મારી આંખો બંધ રાખી હતી.”

(નીલેશ સાઠે ના મૂળ મરાઠી લખાણ પરથી મુકુલ વોરા નું ભાષાંતર)

આવ તને સમજાવું ચકલી આ દર્પણનું સાચ!

અમથી અમથી તું ટીચે છે

એના ઉપર ચાંચ

આવ તને સમજાવું, ચકલી,

આ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી

આ ખોટા સરનામે,

બિંબ જોઈને ઝૂર્યા કરતી તું

દર્પણની સામે.

કોઈ નથી એ બીજું મ્હોરું,

ખાલી છે આ કાચ.

આવ તને સમજાવું, ચકલી,

આ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતી,

ઘૂમરાતી તું ઘેલી,

વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ

કરેલી ડેલી,

કોઈ નથી ખોવાયું તારું,

ના કર અમથી જાંચ.

આવ તને સમજાવું, ચકલી,

આ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી

તારી કોમલ પાંખો,

કોઈ નર્તકી જેમ નાચતી

તારી બન્ને આંખો,

કોઈ નથી જોનારું અંદર,

તારો સુંદર નાચ.

આવ તને સમજાવું, ચકલી,

આ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે,

કૈંક અહીં છેવટમાં,

લોહી નીગળતી ચાંચ રહે છે,

અંતે અહીં ફોગટમાં,

પથ્થર છે આ, નહીં આવે કંઈ,

એને ઊની આંચ.

આવ તને સમજાવું, ચકલી,

આ દર્પણનું સાચ.

– જિતેન્દ્ર જોશી

શબ્દો વગર ખુશીની અભિવ્યક્તિ

ભુજના મહેશભાઈ દવે એક પેન્શનરના પુત્ર છે. એ જન્મથી જ બોલી કે સાંભળી શકતા નથી. સરકારની નીતિ મુજબ પેન્શનરના શારીરિક અને માનસિક દિવ્યાંગ સંતાનોને આજીવન કુટુંબ પેન્શન મળી શકે. પરંતુ, (સરકારના મંતવ્ય મુજબ મૂક-બધિર માણસ પોતાની આજીવિકા જાતે કમાવવા માટે શક્તિમાન હોવાથી) મૂક-બધિર સંતાનોને કુટુંબ પેન્શન મળી શકતું ન હતું. મહેશભાઈ અને તેમના કુટુંબીજનો દ્વારા આ અંગે સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવી અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમમાં પણ આ અંગે રજુઆત કરવામાં આવી. તેમાં જિલ્લા તિજોરી અધિકારી, ભુજ એ જવાબ આપવાનો થયો. સરકાર દ્વારા મૂક-બધિર સંતાનને પેન્શન આપવા અંગે કોઈ જોગવાઈ ન હોવાથી સ્વાભાવિક રીતે એ મુજબ જ તત્કાલીન અધિકારી દ્વારા જવાબ અપાયો. પરંતુ, આ અંગે મહેશભાઈને વિકલાંગ કમિશ્નરની કચેરીમાં જવા અંગે કચ્છના માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહન અને સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રહોડીયા દ્વારા સલાહ આપવામાં આવી. તેથી મહેશભાઈએ વિકલાંગ કમિશ્નરમાં રજુઆત કરી. આવી બાબતે કમિશ્નરને કેસ ચલાવવાની સત્તા હોવાથી આ અંગે કેસ ચાલ્યો જેમાં નાણા વિભાગના અધિકારીશ્રી પણ હાજર રહેલા. જેમાં મૂક-બધિર સંતાન પોતે આજીવિકા કમાઈ શકતા નથી એવું સમજાવવામાં મહેશભાઈ અને એમના ભત્રીજી રિદ્ધિબહેન સફળ રહયા. તેમના આ કેસના લીધે નાણા વિભાગ દ્વારા તા.૨૧/૧૨/૨૦૧૮ ના રોજ જન્મથી જ મૂક-બધિર સંતાનને આજીવન લઘુત્તમ કુટુંબ પેન્શન આપવા બાબતનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. જેથી મહેશભાઈને કુટુંબ પેન્શન મંજુર કરવા બાબતની આગળની કાર્યવાહી શરૂ કરી. જેમાં પેન્શનરની નિવૃત્તિ વખતની કચેરીએ કાર્યવાહી શરૂ કરવાની હતી. જે કાર્યવાહી ઝડપથી કરવા અંગે માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહન એ ભલામણ પણ કરી. તા.૦૧/૧૦/૧૯૯૯ પહેલા નિવૃત્ત થયેલ પેન્શનરના કિસ્સામાં આવું કુટુંબ પેન્શન ચૂકવવાનો હુકમ કરવાની સત્તા સંબંધિત તિજોરી અધિકારીને હોવાથી મારા દ્વારા આ અંગે હુકમ કરવામાં આવ્યો. માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહને આ કેસમાં અંગત રસ લીધેલ હતો. જેથી અમારી કચેરીનો આ હુકમ માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહનના હસ્તે આપવાનું નક્કી કર્યું. જે તા. ૨૦/૦૭/૨૦૧૯ ના રોજ આપવામાં આવ્યો. આ ઠરાવથી મહેશભાઈ જેવા સમગ્ર રાજ્યના પેન્શનરોને લાભ થશે. આમ, અધિકારીના હકારાત્મક વલણ અને માર્ગદર્શનથી કેટલા બધાને એનો લાભ થાય છે એ માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહનની કાર્યશૈલીથી જાણી શકાયું.

આ હુકમ આપ્યા પછી મહેશભાઈએ એમના ભત્રીજીના માધ્યમથી જે ખુશી વ્યક્ત કરી છે તે આ વિડીયોમાં અનુભવી શકાય છે. મહેશભાઈના સંઘર્ષનો અંત જિલ્લા તિજોરી અધિકારી તરીકે મારી સહીથી થયેલ હુકમથી આવ્યો એ વાતનો મને આનંદ છે. આ કાર્યમાં અમારી કચેરીના પેન્શનનું કાર્ય સંભાળતા કર્મચારીઓએ પણ કર્તવ્યપરાયણતાથી સારી રીતે કાર્ય કર્યું. મહેશભાઈએ અભિવ્યક્ત કરેલી ખુશીથી અમને બધાને આ પ્રકારના બીજા પેન્શનરોને મદદ કરવાની પ્રેરણા મળી છે.