કુંદન, કુન્દનિકા અને ઈશામા સુધીની એક સાર્થક યાત્રા

મને શીખવ  હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.

remembrance memories of kundanika kapadia

કુન્દનિકા કાપડિયાના નિધનના સમાચાર ૩૦-૪-૨૦ની વહેલી સવારે મળ્યા ત્યારે યાદ આવ્યું કે યોગાનુયોગ ૩૦ એપ્રિલ મકરંદ દવે સાથે તેમના લગ્નની તિથિ પણ હતી. ધરમપુર નામ લેતાં જ નંદિગ્રામનું નામ દરેકને યાદ આવે. મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાનું આનંદગ્રામ એટલે કે નંદિગ્રામની મુલાકાત મારા માટે હંમેશા સ્મરણીય રહી છે. કુન્દનિકા આજે નથી રહ્યા પણ તેમની આગળ સ્વ. લગાડવાનું મન નથી થતું. મકરન્દભાઈના અંતિમ સમય સુધી જીવનસંગીની બની રહેલા કુન્દનિકા કાપડિયાનું પોતાનું આગવું વ્યક્તિત્વ હતું. તેમને 28 વરસથી સતત મળતી આવી છું પણ તેમની સજાગતા અને સ્વભાવ જરા પણ બદલાયા નહોતા. ઉંમરને કારણે અને છેલ્લા વરસોમાં તેમની માંદગીને કારણે તેઓ થોડા ઢીલા જરૂર જણાતા હતા પણ જીવન પ્રત્યેનો તેમનો અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો હતો.  તેમના લાંબા સુંદર વાળ, ભાવવાહી આંખો અને મોનાલિસા જેવું સ્મિત દરેક વખતે મને આકર્ષતું રહ્યું. નંદિગ્રામમાં હાલ મ્યુઝિયમ પણ તેમણે જાતે રસ લઈને ઊભું કર્યું છે, જેમાં મકરંદ દવે અને તેમના સહજીવનના ફોટાઓ આપણને સાહિત્યકાર, આધ્યાત્મિક બેલડીના ભૂતકાળની ઝાંખી કરાવે છે. કુન્દનિકા કાપડિયાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર  1985ની સાલમાં મળ્યો હતો. પહેલાં સંપાદક અને પછી વાર્તાકાર, નવલકથાકાર અને ત્યારબાદ પ્રાર્થનાઓનો સંગ્રહ તેમણે આપ્યો છે. સાત પગલાં આકાશથી આજે પણ ઓળખાતા કુન્દનિકા કાપડિયા પોતાના સમયથી ઘણા આગળ જીવતા હતા. આજે પણ તેઓ સતત કંઈને કંઈ લખતા હોય, નંદિગ્રામના કામનું સંચાલન કરતા હોય કે પછી ન દેખાતા કોઈ વિશ્વમાં ખોવાઈ ગયા હોય એ રીતે શાંત બેઠા હોય એ છબી તેમને મળનાર વિસરી ન શકે. તેમને અંગત મિત્રો કુંદન તરીકે સંબોધતા અને પછી સાહિત્યકાર રૂપે કુન્દનિકા કાપડિયા તરીકે પ્રસિદ્ધ થયા અને નંદિગ્રામમાં તેઓ ઈશામા તરીકે સંબોધાતા હતા. તેમના છેલ્લે પ્રગટ થયેલા પુસ્તકોમાં પણ ઈશા કુન્દનિકા નામ જ છપાતું હતું.

નંદીગ્રામ નો વિચાર શી રીતે આવ્યો?

કુન્દનિકા બહેન : “મને હંમેશા થતો કે કશુંક જુદું કરવું જોઇએ અને સહિયારા રસોડાનો વિચાર મને ઘણા વખત પહેલા આવેલો કારણ દરેક સ્ત્રીના માથે તેના રસોડાનો ભાર હોય છે તે દૂર થવો જોઈએ તેવી ભાવના મનમાં હતી પછી મહારાણી ચીમનાબાઈને વાંચ્યા જેવા સ્ત્રીઓના તુલનાત્મક અભ્યાસ વિશે લખેલું જેમ કે સ્ત્રીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી જોઈએ સહારો રસોડું હોવું જોઈએ પછી ઘણા વખતે મને રશિયામાં પણ આવા સહિયારા રસોડા હોય છે તેની ખબર પડે મારા મનમાં સામૂહિક જીવનની કલ્પના પહેલા જુદી જ હતી પણ પછી સ્વરૂપો બદલાતા ગયા મૂળ કલ્પના હતી કે થોડાક એવા માણસો સાથે રહીએ કે જેમને સાધના અને આત્માના વિકાસમાં રસ હોય ગાંધીજીની મારા ઉપર અસર એટલે આજુબાજુમાં રહેતા લોકો માટે સમજ પ્રત્યે આપણી કશીક ફરજ હોવાનો ભાવ મનમાં રહ્યા કરે તેથી તે બન્ને વસ્તુ સાથે જતી હોય તેવું સામૂહિક જીવન છતાં બધાનું પોતાનો સ્વતંત્ર જીવન. છતાં બધાનું પોતાનો સ્વતંત્ર જીવન આમ અમારા નંદીગ્રામમાં માબાપ બાળક મૂકીને જઈ શકે છે જેથી એકલા મા પર બાળઉછેરનું બહાર ન આવે 1960થી જમીન ખૂબ જ શોધે પણ મુંબઈમાં ઘણો વખત રહેલા તેથી મુંબઈની નજીક જમીન મળે તો સારું એવું મનમાં હતું જમીનની સાથે પણ એક સંબંધ હોય છે હવે તો સાધના અને સેવાએ નંદીગ્રામના મુખ્ય ઉદ્દેશ છે.”

કુન્દનિકાબહેને પોતાની વાત કરતાં કહ્યું હતું તે હવે તેમના જ શબ્દોમાં વાંચો ,  “મને યાદ છે, મારા બચપણનો મુખ્ય ભાગ ગોધરામાં વીત્યો. ગોધરા પંચમહાલનું ગામ. મોટેભાગે જંગલ જેવા વિસ્તારમાં તેથી મારો મુખ્ય રસ પ્રકૃતિપ્રેમ છે. ઘણા ઘણા કલાકો વૃક્ષો ઉપર ચડી ડાળ ઉપર ગોઠવાઈને વાંચવું, એકાંતમાં ફરવું,  સ્મશાનમાં જવું. એનું કારણ એ હશે કે જે બીજા ન કરે તેવી વિદ્રોહી પ્રવૃત્તિ કરવી મને ગમતી. મારા બાપુજી ડોક્ટર હતા તેથી તેમના વૈદકના પુસ્તકો અને બીજો જે હાથમાં આવે તે વાંચતી. કૃષ્ણમૂર્તિના સ્ટાર મેગેઝિનમાં આવતી કવિતા વાંચતી સમજાય ન સમજાય તોય બસ વાંચ્યા કરતી હાથમાં જાગૃતિ ક્ષણની વાત કહું. હું લગભગ અગિયાર કે બાર વર્ષની હોઈશ ત્યારે લેન્ટાનાની નાની ઝાડીઓ વચ્ચે ધૂળ ભર્યો માર્ગ નદી તરફ જતો હતો ત્યાંથી સાંજના સમયે એકલી પસાર થઈ રહી હતી ત્યારે હું એક ક્ષણ ઊભી રહી. મને થયું કે હું કોણ છું? આ જગત શું છે? આવા ગંભીર સવાલો મનમાં ઉઠ્યા. મારા સ્વભાવમાં જે ગંભીરતા છે તે કદાચ તે ક્ષણથી આવેલી છે.

મને થયું આ બધું શું છે? આપણે જીવીએ છીએ તે શું છે? પછી મેં આ બધા પ્રશ્નો ર.વ.દેસાઈને લખીને મોકલેલા. તેમણે જવાબ આપ્યો કે હમણાં તમે ભણવામાં ધ્યાન આપો તો વધારે સારું. હવે હું બધાને એવા જવાબ આપું છું. ઘણા વિદ્યાર્થીઓના પત્રો આવી ચર્ચા લખેલા આવે છે. પરંપરાગત રૂઢિઓની વિરોધમાં જવાનો મારો સ્વભાવ છે. એક વાર એવું થયું કે ઘરમાં નોકર નહી આવેલો એટલે બાએ મને વાસણ માંજી નાખવાનું કહ્યું એટલે મેં કહ્યું મોટા ભાઈને કેમ નથી કહેતી મને જ કેમ કહે છે.  વળી, તે વખતે હરિજનોને ન અડાય એવું બધા કહેતા તેથી હું તેમને ખાસ ઘરે બોલાવીને ભણાવતી. જ્ઞાતિમાં હું માનતી નહીં, અને વતન જેવું પણ મને ખાસ લાગે નહીં. મને લાગે છે મારું વતન તો હજી હું શોધું છું. શોધું છું કે મારા મૂળિયા ક્યાં છે.

મારા મિત્રની કઈ જ્ઞાતિ છે કે પંથ છે તે ખબર નથી. મને એ બધી વસ્તુઓ (વાતો) માણસ માણસ વચ્ચે ભેદભાવ વધારનારી લાગે છે. પછી કૃષ્ણમૂર્તિને વાંચ્યા. તેથી મારી લાગણીઓ કે વિચારો વધારે પુષ્ટ થયાં. તેથી જ મારા લેખોમાં પણ વારંવાર લખું છું,  અને મારો આગ્રહ પણ રહ્યો છે કે માણસે પોતાની અટક કાઢી નાખવી જોઈએ. સાત પગલાં આકાશમાં પણ મેં ઘણી નવી વાતો કરી છે જે પરંપરાની વિરુદ્ધ  છે. હું જ્યારે સાત પગલા આકાશમાં લગતી હતી ત્યારે કાંતાબહેનને કહેતી (કાન્તાબહેન નંદિગ્રામની શરૂઆત થઈ ત્યારના પ્રથમ રહેવાશીઓમાંના એક હતા. તેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે.  તેમને મળવાનો લાભ મને મળ્યો હતો )  જો આ વાર્તા લોકો ધ્યાનથી વાંચશે તો ખળભળાટ મચી  જશે અને એવું જ થયું . સ્ત્રીઓ પ્રત્યે અન્યાય તો મેં મારા ઘરમાં અને આજુબાજુ બધે જોયો છે, અને એટલે કદાચ એની અસર મારી વાર્તાઓ ઉપર છે.

મારા પિતા ડોક્ટર અને મારી મા ચાર ચોપડી ભણેલી તેથી મારા પિતા વારંવાર મારી માને કહેતા તને કંઈ ખબર ન પડે, અને મા હંમેશા દબાયેલાં રહેતાં. કુટુંબના આંબામાં પણ માનું  નામ ન હોય. લોકો એમ પૂછે છે કે પુરુષો સ્ત્રીઓ ઉપર શું અત્યાચાર કરે છે?  હું તો જવાબ આપું કે સૂક્ષ્મ રીતે તેઓ સ્ત્રીના અસ્તિત્વને નામશેષ કરે છે. સર્જકો પણ તેમાં સહભાગી બને છે. બીજું સ્ત્રીઓનું એટલું બ્રેઇનવોશિંગ થાય છે કે તેમને એટલો અહેસાસ પણ ન થાય.  એવું પણ બને કે કદાચ તેમને ગૌરવ પણ લાગે છે. કોલેજનું શિક્ષણ મેં ભાવનગર તથા વડોદરામાં લીધું. સાથે સાથે સ્વાતંત્ર્ય લડતમાં સક્રિય રહી. એકાદ-બે દિવસ જેલમાં પણ રહી આવી હતી. તે વખતે માનસિક તૈયારી સ્વરાજની લડતમાં સક્રિય ભાગ લેવાની હતી. ભવિષ્ય નક્કી હતું. મને સમાજવાદ ગમે. માણસે પોતાની મૂળ પ્રકૃતિના હિસાબે તેને અનુરૂપ અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પ શોધી લેવો જોઈએ. આઝાદી પછી જીવનને નવેસરથી શરૂ કરવાનો વિચાર આવ્યો. હું મુંબઈ આવી. મારી પ્રેમના આંસુને વિશ્વ વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મળ્યું.  તેનાથી મેં સાહિત્યમાં પ્રવેશ કર્યો. કૃષ્ણમૂર્તિની અસર મારા ઉપર પડી. તેમને પ્રથમવાર સાંભળ્યા પછી કહી શકું કે હું એમને પામી છું.  ધીમે ધીમે લખાતું ગયું. પછી મેં યાત્રિક નામનું મેગેઝિન શરૂ કર્યું. અને પછી નવનીત ડાયજેસ્ટનું સંપાદન કર્યું.

મારી સૌ પહેલી વાર્તા તો મેં લગભગ 1955માં લખી. જેમાં પુરુષના પ્રભુત્વ અંગે વધુ ભાર હતો .જેમાં પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ તેને સ્વતંત્ર નિર્ણય નથી લેવા દેતો. છેવટે પત્ની પતિને છોડીને ચાલી જાય છે. ઈબ્સનની ડોલ હાઉસની મારા પર ઘણી અસર છે. જેમાં સ્ત્રી પોતાની અસ્મિતા ખાતર પતિને છોડી જાય છે પછી તો ઘણું લખ્યું. ન્યાય નામની વાર્તા અને ચળકાટ વગેરે એ બધી વિદ્રોહની વાર્તાઓ છે. મારી ઘણી વાર્તાઓમાં ઘર છોડી જવાની વાત આવે છે. તે અસર ડોલ હાઉસની છે. કદાચ એમ પણ હોય કે પૂર્વજન્મમાં હું કદાચ ઘર છોડીને ગઈ હોઈશ. બે-ત્રણ લાગણીઓ છે. હું પૂર્વજન્મમાં કદાચ એકલી પણ હોઈશ કારણકે મારા કુટુંબભાવ જરા પણ નથી. લગ્ન પહેલા પણ નહીં, લગ્ન પછી પણ નહીં. સંસાર વ્યવહાર જેવો સ્વભાવ મારામાં નથી. અથવા તો કદાચ હું પૂર્વ જન્મમાં સાધ્વી પણ હોઉં. હું  ખૂબ જ એકાં પ્રિય છું. મારો મુખ્ય રસ કોઈ વ્યક્તિની સાથે જીવનના પડ ઉકેલવાનો. વ્યક્તિગત જીવન વિષે નહીં, મનના સ્વરૂપ વિશે, જીવન ના સ્વરૂપ વિશે. તેથી ખાલી ગપ્પા મારવા મારા સ્વભાવમાં જ નથી.

મારું એક લક્ષણ તમને કહ્યુંને કે, એકાંત અને ફિલોસોફી. તેથી આજુબાજુ નિર્માણ થતી પરિસ્થિતિની વાત મારી વાર્તા  અગનપિપાસામાં  છે. મને નામ પ્રતિષ્ઠા એવાં કશાનો મોહ નથી. તેથી મને જ્યારે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો કે પ્રેમના આંસુને પુરસ્કાર મળ્યો ત્યારે પણ મને અંદરખાને કશો પણ તરખાટ નહોતો થયો. ઠીક છે, સ્વાભાવિક છે, મળે! એટલે મારી વાર્તાઓમાં એ પ્રકારનો ધ્વનિ જોવા મળે છે. અગનપિપાસામાં એ વાત છે. કલાકારને  પ્રતિષ્ઠા ન મળે . માન ન મળે . છતાં પણ જીવનમાં પરિપૂર્ણતા છે. એજ મારું દ્રષ્ટિબિંદુ છે. સાત પગલા આકાશમાં તો મારે વાત કેવી હતી સ્ત્રીઓની વેદનાની, તેમના પરના અત્યાચારની. ને છતાં તેમાં પણ આંતરિક શોધની વાત આવે છે. જેમકે વાર્તા ચમકારમાં સફળતાને માનવને નીચે લઇ જતી બાબત ગણાવી છે.”

કુન્દનિકા બહેન મકરન્દ દવે સાથેના લગ્નના સંભારણા યાદ કરતાં કહે છે કે,  “અમારાં લગ્ન સામાન્ય રીતે જેમ થાય છે તેમ નહોતાં થયાં. બે વ્યક્તિઓ મળે ,સમજેને પ્રેમ થાય એમ નહીં. પહેલ મકરંદે કરેલી. તેમણે મને કાગળ લખ્યો. પણ નાનપણથી જ મારી લગ્ન કરવાની ઇચ્છા નહોતી. જે સામાજિક સંસ્કારો અને પુરુષોનાં સ્ત્રી પ્રત્યેના વલણો જોયાં હતાં. તેને લીધે ઇચ્છા જ નહોતી. મેં લગ્ન કરતા પહેલા ખૂબ મંથન કરીને લગ્ન કર્યાં. મેં ઘણા મોડાં લગ્ન કર્યાં. મેં લગ્ન કર્યા ત્યારે મારા બાપુજીને એમ કે આનું શું થશે? પણ તેઓ જ્યારે મકરંદને મળ્યાં ત્યારે ખૂબ ખુશ થયા. મકરંદ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે. કેમ કે તેઓ જે દેખાય છે તેવા એ નથી. એમ કહીને પોતાના માણસનાં વખાણ કરવાનું મારા સ્વભાવમાં નથી. (આમ કહેતાં કુન્દનિકા બહેન જાણે ક્યાંક ખોવાઈ ગયાં. પછી તેમણે બહુ ઊલટથી તેમના લગ્નજીવનની મધુર ક્ષણો વિષે કહ્યું.)

કુન્દનિકા બહેન : “મારા જીવનમાં એમના આવ્યા પહેલા ઈશ્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધ ની વાતમાં ક્યાંય ઇશ્વરની વાત આવે નહીં . એટલે એમના થકી ઈશ્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો એ ખૂબ જ મોટી વાત છે અને સ્મરણો તો એટલા બધા છે કે એમની એક નાના છોકરા જેવી વાત છે એક વખત હું જ્યારે નવનીતમાં કામ કરતી હતી ત્યારે અમે ફરવા જવાનું નક્કી કર્યું અને બસ સ્ટોપ પર મળ્યા બસમાં બેઠા પછી કહ્યું કે હું તારા માટે ભેટ લાવ્યો છું કહીને હાથમાં મૂકીને ડબ્બી ખોલી તેમાં એક પડીકું હતું મે પડીકું ખોલ્યું તો વળી એક બીજું પડ્યું એમ સાતથી આઠ પડીકા ખુલ્યા પછી મને એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું આઇ લવ યુ મારી સામે બેઠેલા ભાઈ તો જોયા જ કરે કે આ બેન કે ના પડીકા ખોલી રાખે છે આવા તો અનેક પ્રસંગો છે જ્યારે પણ બહારગામ જાણો ત્યારે મકરંદ પ્રેમના ગીત કે પ્રેમનું વાક્ય લખીને મારા પર્સમાં મુકી દેતા હું પણ તેમની જમવાની થાળીની છે કે સાબુની ગોટી બાથરૂમમાં મૂકતી વખતે કંઈને કંઈ લખીને મુક તે આજે પણ મૂકો છો તેઓ કદી ગોંડલ જાય ત્યારે મને રોજ રોજ જુદે જુદે કારણેથી પ્રેમની ચિઠ્ઠીઓ મળે ડબ્બામાંથી બાથરૂમમાંથી ઓશિકા નીચેથી આવી ઘણી સિદ્ધિઓનો સંગ્રહ મારી પાસે છે એક પ્રસંગ કહું તેમની તબિયતને કારણે તેમને માટે પ્રવાસ કરવો ખૂબ અઘરો છે તેથી તેઓ પ્રવાસ નથી કરતા એટલે હું એકલી ઇગતપુરી વિપસ્યના શિબિરમાં ગઈ હતી ત્યાં દિવસના મૌન એકાંત પછી નવમા દિવસે જ્યારે હું બહાર આવે ત્યારે મને કોઈ આવીને કહ્યું કે મકરંદભાઇ મળવા બોલાવે છે પહેલા તો હું માની જ ન શકે પછી જ્યારે તેમને ત્યાં જોયા ત્યારે સુખદ આશ્ચર્ય પામી મને મળવા માટે તેઓ ખાસ આવ્યા હતા મારે માટે તો એ ખૂબ અદ્ભુત વાત હતી.”

 

(નોંધઃ લેખિકા દિવ્યાશા દોશી જાણિતા પત્રકાર છે, છેલ્લા 28 વર્ષોથી પત્રકારત્વના દરેક માધ્યમમાં રિપોર્ટિંગ, મેગેઝીનના સંપાદક તેમજ કોલમ લેખક તરીકે કામ કરે છે અને કુંદનિકા બેન સાથે ત્રણ દાયકાથી વધુનો અંગત પરિચય ધરાવે છે)

સૌજન્ય: દિવ્ય ભાસ્કર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.