અનાથ બન્યો આધાર

નાગાલૅન્ડમાં આઇ.એ.એસ. અધિકારી મોહમ્મદ અલી શિહાબ દૂર-દૂરના અને દુર્ગમ જિલ્લાઓમાં મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેટલો જ જીવનસંઘર્ષ એમણે આઇ.એ.એસ. બનવા માટે પણ કર્યો છે. કેરલના મલ્લાપુરમ જિલ્લાના એડવન્નાપરા નામના સાવ નાનકડા ગામમાં એમનો જન્મ થયો હતો.

નિશાળના અભ્યાસ સમયે મોહમ્મદ કોઈને કોઈ બહાનું શોધીને નિશાળેથી ભાગી જતો એના મનમાં બસ એક જ સ્વપ્ન રમતું હતું – પોતાની દુકાન ખોલવાનું ! જો કે સ્કૂલેથી ભાગી જવાનું એક કારણ અસ્થમાપીડિત પિતાને મદદ કરવાનું પણ હતું. તેમને મદદ કરવા માટે તે પાનની દુકાને અથવા બીજે વાંસની ટોપલી વેચવા જતો, પરંતુ એની અગિયાર વર્ષની ઉંમરે પિતા કોરોન અલીનું અવસાન થયું. માતા ફાતિમા પાંચ બાળકોનું ગુજરાન ચલાવી શકે તેમ નહોતી. તેથી એક પુત્ર અને બે પુત્રીઓને કોઝીકોડના અનાથાશ્રમમાં મોકલવા પડયા.

અનાથાશ્રમમાં રહેવાથી મોહમ્મદ શિહાબના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું. એનું જીવન શિસ્તબદ્ધ બન્યું. રાત્રે આઠ વાગે જમીને સૂઈ જવાનું. અડધી રાત્રે ઊઠીને ચાદરની નીચે ટોર્ચના પ્રકાશમાં વાંચતા, જેથી સાથે રહેતા મિત્રોની ઊંઘ ન બગડે . આ રીતે સ્કૂલનો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ આવ્યા. તેઓ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા હતા. પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે તેમણે પીટીસી કર્યું અને પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મેળવી.

આ સમય દરમિયાન એમણે રાજ્ય કક્ષાની સેવા આયોગની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ ક્લાર્કની નોકરી કરતા કરતા કાલિકટ યુનિવર્સિટીમાં ઇતિહાસના વિષયમાં બી.એ. કર્યું. સિવિલ સર્વિસની પરીક્ષા વિશે એમને કંઈ ખબર નહોતી. જ્યારે નોકરીના ઇન્ટરવ્યૂમાં એમને સિવિલ સર્વિસની પરીક્ષા વિશે વારંવાર પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અનાથાશ્રમમાંથી આર્થિક મદદ મળી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી.

આ બધું કરવામાં તેમની ઉંમર થઈ ગઈ હતી, લગ્ન થયા હતા અને નવ મહિનાનું બાળક પણ હતું. ઉંમર થઈ જશે તો તક હાથમાંથી સરી જશે એમ માનીને એમણે ખૂબ મહેનત કરી, પોતાની માતૃભાષા મલયાલમમાં મુખ્ય પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ દુભાષિયાની મદદથી આપ્યો. છેવટે ૨૦૧૧માં તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને દિલ્હી ગયા.

ત્યાં લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ આપવામાં આવી, નોકરીના દરેક પાસાંની સમજ આપવામાં આવી તથા ત્યાંની ભાષા શીખવવામાં આવી, કારણ કે એમને નાગાલૅન્ડના દીમાપુર જિલ્લાના આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કામ કરવાનું હતું.

આજે તેઓ મલયાલમ જેટલી જ સરળતાથી નાગમીઝ ભાષા બોલી શકે છે. મ્યાંમારને અડીને મોન જિલ્લામાં પણ કામ કર્યું. ૨૦૧૭માં તેમની બદલી કૈફાઈર જિલ્લામાં થઈ પ્રધાનમંત્રી અને નીતિ આયોગે ૧૧૭ મહત્ત્વકાંક્ષી જિલ્લાની યાદી બહાર પાડી છે તેમાં નાગાલૅન્ડનો આ એક માત્ર જિલ્લો સામેલ છે.

કૈફાઈર એ ભારતનો સૌથી દૂર અને દુર્ગમ જિલ્લો છે. દીમાપુરથી પહાડી વિસ્તારોમાં થઈને પહોંચતા બારથી પંદર કલાક લાગે છે. અહીં ઘણા આદિવાસીઓ વસે છે. મ્યાંમારની સરહદ સાથે જોડાયેલા આ જિલ્લામાં ઘણાં પ્રશ્નો છે, પરંતુ સૌથી મોટી સમસ્યા સામાજિક અને આર્થિક પછાતપણાની છે, તેથી મોહમ્મદ શિહાબ સૌપ્રથમ શિક્ષણ, કૃષિ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેકિંગ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી રહ્યા છે.

અહીં મુખ્યત્વે રાજમા અને મકાઈની ખેતી થાય છે, જેના માટે બહાર મોટું બજાર છે, પરંતુ કૈફાઈરથી દીમાપુર મોકલવાનો ખર્ચ ઘણો આવે છે. શિહાબ કહે છે કે આ બધું કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ કરીશું ચોક્કસ. તેઓ શાંતિપૂર્વક બે ચૂંટણીઓ કરાવવામાં સફળ રહ્યા છે. તેઓ આદિવાસી સાથે સંબંધ સુધારવા માટે તેમના નેતાઓને મળે છે અને વારંવાર ચર્ચમાં પણ જાય છે.

તેઓ કહે છે, ‘હું અનાથ હતો અને મારો જિલ્લો પણ અનાથાલય જેવો છે. પિતાના મૃત્યુ પછી હું કુટુંબથી અલગ પડી ગયો અને મારો જિલ્લો પણ બાકીની દુનિયાથી એકદમ અલગ છે, પરંતુ ટાંચા- સંશાધનો અને મર્યાદિત તકો વચ્ચે અહીંના લોકોએ મને શીખવ્યું કે દરેક અવસરને ઉત્સવ જેવો માનવો અને એમ પણ નાગાલૅન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે.’

મોહમ્મદ શિહાબ કૈફાઇર જિલ્લાનો વિકાસ કરવા દ્રઢ મનોબળથી કામ કરે છે. એમણે મલયાલમ ભાષામાં ‘વિરલાટ્ટમ’ (આંગળીઓ) નામની આત્મકથા લખી છે. તેઓ આજના યુવાનોને કહે છે કે, ભારત બહુ મોટો દેશ છે તેમાં તકની કોઈ કમી નથી. સખત મહેનત અને દ્રઢતા સાથે આગળ વધશો તો ચોક્કસ સફળ થશો.

રંગભેદની દીવાલ તોડનારી

દક્ષિણ સુદાનમાં જન્મેલી ન્યાકિમ ગેટવિચ સમજણી થઈ, ત્યારે એણે આખા દેશમાં સંઘર્ષ અને હિંસાનું વાતાવરણ જોયું. પરિસ્થિતિ એટલી વણસેલી હતી કે એક રાત્રે માતા-પિતાએ દેશ છોડવાનો નિર્ણય કર્યો અને પગપાળા ચાલી નીકળ્યા. એમાં એની મોટીબહેન ખોવાઈ ગઈ, પરંતુ પાછા ફરી શકાય એવી સ્થિતિ નહોતી. ભૂખ્યાં-તરસ્યા કેન્યા પહોંચ્યા અને શરણાર્થી કેમ્પમાં રહેવા લાગ્યા.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ચાલતા પુનરોદ્ધારના કાર્યક્રમ અંતર્ગત કુટુંબ સાથે અમેરિકા આવ્યા. ૧૪ વર્ષની ન્યાકિમ ખુશ હતી, કારણ કે એના મનમાં અમેરિકાની સ્વર્ગ સમાન કલ્પના હતી. તેણે નજીકની સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો. એકદમ સ્વચ્છ વિશાળ સ્કૂલ, મોટા મોટા કલાસરૃમ, સુંદર બગીચો અને રમવા માટે મોટું મેદાન. આવું શાનદાર કેમ્પસ જોઈને પણ ન્યાકિમ ખુશ નહોતી.

એનું કારણ એ હતું કે ત્યાં ભણવા આવતાં બાળકો ગોરા અને સોનેરી વાળવાળા હતા. આખી સ્કૂલમાં એ એકલી જ અશ્વેત છોકરી હતી. ન્યાકિમે જોયું કે એની સાથે કોઈ બોલતું નથી. મોંઢું બગાડીને સહુ એને પૂછતા કે, ‘તું નહાતી નથી ? આટલી કાળી કેમ છે ?’ એણે એક દિવસ એની માતાને પૂછ્યું, ‘શું ખરેખર મારો ચહેરો ખૂબ ખરાબ છે?’ આ સાંભળીને ન્યાકિમની માતા ઉદાસ થઈ ગઈ, પરંતુ એણે સમજાવીને કહ્યું કે, ‘આપણે અહીં નવા છીએ એટલે તેઓ આપણને સ્વીકારી નથી શકતા,  થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે’.

સ્કૂલમાં શિક્ષક કંઈક પૂછતા તો ન્યાકિમ ગભરાઈ જતી હતી. ભાંગ્યા-તૂટયાં અંગ્રેજીમાં જવાબ આપતી, તો વિદ્યાર્થીઓ એના પર હસતા હતા. મનમાં ઘણીવાર વિચાર આવ્યો કે પાછી શરણાર્થી કેમ્પમાં જતી રહું. ધીમે ધીમે અંગ્રેજી શીખવા લાગી અને જાતીય ટિપ્પણી સાંભળવાની તો હવે ટેવ પડી ગઈ હતી. બફલો સિટીથી તેઓ મિનેસોટા રહેવા આવ્યા હતા. હવે થોડા મિત્રો થયા હતા અને આત્મવિશ્વાસ વધ્યો હતો. તે સહુને જવાબ આપતી, ‘હું આફ્રિકી મૂળની છું. ત્યાં લોકોની ચામડી અશ્વેત હોય છે. અશ્વેત હોવું એ શરમની વાત નથી.’ માતા એનો આત્મવિશ્વાસ જોઈને ખુશ રહેતી.

કોલેજના અભ્યાસ દરમિયાન ન્યાકિમને ફેશન શોમાં ભાગ લેવાની તક મળી. રેમ્પ ઉપર બધી યુવતીઓ અમેરિકન હતી તે એકલી જ અશ્વેત હતી, પરંતુ એનો ડ્રેસ, મેક-અપ અને હેર સ્ટાઇલ ખૂબ આકર્ષક હતા. અત્યંત આત્મવિશ્વાસ સાથે બિન્દાસ અંદાજમાં કેટવોક કરતી-કરતી તે રેમ્પ પર આવી અને સહુ દર્શકોના દિમાગમાં છવાઈ ગઈ. ન્યાકિમ કહે છે કે સ્ટેજ પર જઈને એને લાગ્યું કે એ ખરેખર દુનિયાની સૌથી ખૂબસૂરત યુવતી છે.

ન્યાકિમ તેના મોહક અંદાજથી મશહૂર થઈ ગઈ. ચોતરફ એની પ્રશંસા થવા લાગી. ત્યારે એણે નક્કી કર્યું કે તે ફેશન મોડેલ બનશે. બહુ ઝડપથી ત્યાંના માધ્યમોમાં છવાઈ ગઈ. ઘણી કંપનીઓની વિજ્ઞાાપનમાં એણે કામ કર્યું. આજે અમેરિકાની મશહૂર મોડેલ છે અને રંગભેદ સામે અભિયાન ચલાવી રહી છે. તે કહે છે, ‘ઈશ્વર તમને જેવા બનાવ્યા છે, તેને જ સ્વરૃપે સ્વીકારો. તમે કાળા છો કે જાડા છો તેનાથી કોઈ ફેર પડતો નથી.’

પક્ષીઓની જાહોજલાલી

મૈસૂર તેના વૃંદાવન ગાર્ડનને લીધે જનસામાન્યમાં જાણીતું હતું. તે ઉપરાંત તેમાં શુક વનનો ઉમેરો થયો છે. શુક વન એ દોઢ એકરમાં પથરાયેલું પક્ષી સંગ્રહાલય છે. અહીં અનેક પ્રકારના અને આકારના પક્ષીઓ જોવા મળે. એમાં મોટાભાગના જાતજાતના પોપટો હોવાથી તેને પેરોટ પાર્ક પણ કહેવામાં આવે છે. અહીં દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરેલા પોપટો છે. આ શુક વન શ્રી ગણપતિ સચ્ચિદાનંદ આશ્રમમાં આવેલું છે. શુક વનમાં રેનબો લોરિકીટ, સન કોનુર્સ, ક્વેકર અને એક્લેક્સ જાતિના પોપટ પણ છે.

અહીં ૪૬૮ જાતિના હજારો પક્ષીઓ છે. કેટલાક પક્ષીઓ જેવા કે સન કોનુર્સ જલદી માણસજાતની નજીક જતા નથી, પરંતુ અહીં મુલાકાતીઓ આરામથી એની નજીક જઈ શકે છે. એનું કારણ જણાવતાં સ્વામી કહે છે કે તેઓ જાણે છે કે તેઓ સલામત જગ્યાએ છે. સ્વામીના ખભા ઉપર, માથા ઉપર અને હાથ ઉપર બેસીને આરામથી ગેલ કરતાં પોપટોને જોવા એ એક લ્હાવો છે.પક્ષીઓ માટે અહીં ૮૨ રૃમ છે.

અહીં પક્ષીઓનું પુનર્વસન કેન્દ્ર પણ છે. બીમાર પક્ષીઓનો એક અલાયદો વિભાગ રાખ્યો, જે વ્યક્તિઓ પક્ષીઓને પાળતી હોય, પરંતુ તેમના દ્વારા યોગ્ય કાળજી ન લેવાતી હોય અથવા કેટલાંકે પક્ષીઓને બચાવ્યા હોય એવાં પક્ષીઓ મુંબઈ અને દિલ્હીથી અહીં આવે છે. દક્ષિણ અમેરિકા, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ અને સોલોમન આઇલેન્ડથી આશરે બે હજાર પક્ષીઓ અહીં આવેલા છે.

આશ્રમમાં દરેક પક્ષીઓની ખૂબ કાળજી લેવામાં આવે છે. શુક વનમાં પક્ષીઓની સંભાળ લેતી શ્રીલક્ષ્મી કહે છે કે અમે કેટલાંક પક્ષીઓને અહીં અલગ રાખીએ છીએ. પક્ષીઓને થોડું સારું થયા પછી આશ્રમના કેર સેન્ટરમાં રાખીએ છીએ અને એકદમ સારું થયા પછી પાર્કમાં મૂકી દઈએ છીએ, પરંતુ કેટલાક પક્ષીઓ એવા હોય છે કે જે સારવાર પછી પણ ઊડી શકતા નથી. એવા પક્ષીઓને કાયમ માટે કેર સેન્ટરમાં રાખવામાં આવે છે.

પક્ષીઓની સારવાર માટેનું આ સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ છે. એક્સ-રે મશીન, ઓપરેશન થિયેટર, ડીએનએ લેબોરેટરી, બ્લડ ટેસ્ટ, બીજા પક્ષીઓને ચેપ ન લાગે તે માટે આઈસોલેશન યુનિટ પણ અહીં ઉપલબ્ધ છે. દિવસમાં બે વખત વેટરનરી ડૉક્ટરો અહીં આવીને પક્ષીઓની સંભાળ લે છે. પક્ષીઓને રમવાની જગ્યા માટે ‘પ્લે સેકશન’ છે જ્યાં તેમને લાકડાનાં રમકડાં આપવામાં આવે છે. તેમને ભોજનમાં ફ્રૂટ, ફણગાવેલા અનાજ, શાકભાજી, મગફળી જેવા નટ્સ, મકાઈ અને શેરડી આપવામાં આવે છે.

થોડા સમય પહેલાં ફિલિપાઈન્સે શુક વનને બે બ્લુ કલરના પોપટો ભેટ આપ્યા છે. કેટલાક પોપટો અહીં આવતા મુલાકાતીઓને ‘ગુડ મોર્નિંગ’, ‘હાઉ આર યુ ?’, ‘ઓમ નમ: શિવાય’ કહીને તેમનું મનોરંજન કરે છે તો ક્યારેક કન્નડ કે તેલુગુ ભાષામાં પણ બોલે છે. ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીને ૨૦૧૭ના મે મહિનામાં પક્ષીઓની સૌથી વધુ જાતિઓને આ પક્ષી સંગ્રહાલયમાં રાખવા માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

મલાલા ઓફ સિરિયા

નાની ઉંમરે આવી સમજણ ધરાવતી મુજૂન અલમેલહનનો જન્મ ૧૯૯૯માં સીરિયાના ડારા શહેરમાં થયો હતો. પિતા સ્કૂલ શિક્ષક હતા એટલે પોતાના ચારેય સંતાનોને શિક્ષણ આપવું એ એમના જીવનની પ્રાથમિકતા હતી. પરંતુ સીરિયાના આંતરયુદ્ધને પરિણામે જીવનની શાંતિ હણાઈ ગઈ. ૨૦૧૩માં બૉમ્બવર્ષા વચ્ચે મજબૂરીથી ઘર છોડીને મુજૂનના કુટુંબે જોર્ડનમાં આશરો લીધો.

આવી પરિસ્થિતિમાં પણ મુજૂન અને તેના ભાઈ-બહેનોનું કેમ્પની અસ્થાયી સ્કૂલમાં ભણવાનું ચાલુ હતું. મુજૂન કેમ્પમાં એવી બાળકીઓ મળી કે જેનું ભણવાનું બંધ થઈ ગયું હતું. તેમનાં માતા-પિતા તેના લગ્નની તૈયારી કરી રહ્યાં હતાં. મુજૂન માટે આવી બાબત આશ્ચર્યકારક અને આઘાતજનક હતી. તેમણે તેમનાં મા-બાપને સમજાવવાનું શરૃ કર્યું કે તેઓ તેમની દીકરીઓને ભણવા મોકલે.

મુજૂન બાળકીઓને પણ સમજાવવા લાગી અને ઘણી નાની વયે થતાં લગ્ન પણ અટકાવ્યા. કેટલીક વ્યક્તિઓને મુજૂનની આ વાત ગમી નહીં, તો કેટલાક નારાજ પણ થયા, પરંતુ તેના પિતા મુજૂનના આ કામથી ખુશ હતા. એ લોકો જ્યારે અઝરાક કૅમ્પમાં રહેતા હતા, ત્યારે મુજૂનની મુલાકાત મલાલા યુસુફજાઈ સાથે થઈ. મુજૂન કહે છે કે, ‘એને મળવું એ મારા માટે સ્વપ્ન જેવું હતું’ એ ખુશ હતી કે મલાલાએ એના કામને બિરદાવ્યું.

આ સમય દરમિયાન અલમેલહન પરિવારને કેનેડા અથવા સ્વીડનમાં વસવાટ કરવા માટેનો પ્રસ્તાવ મળ્યો, પરંતુ મુજૂનના પિતાની ત્યાં જવાની ઇચ્છા નહોતી. પોતાનું વતન છોડીને જોર્ડનમાં માંડ સ્થિર થયા હતા, ત્યાં વળી નવી જગ્યાએ જવામાં તેમને ભય લાગતો હતો. ત્યાં કેવો માહોલ હશે એવી આશંકાથી તેમનું દેશાંતર કરવા માટે મન માનતું નહોતું, પરંતુ મુજૂન ઘણી સ્વસ્થ અને નીડર હતી. શરણાર્થીઓ માટે કામ કરતી યુનિસેફ સંસ્થાના સભ્યો સાથે તેની મુલાકાત થઈ.

તે એમની સાથે મળીને છોકરીઓના શિક્ષણ માટે કામ કરવા લાગી.  જોર્ડનમાં પણ હવે વધુ દિવસો રહી શકાય તેવી કોઈ શક્યતા જણાતી નહોતી. એટલે મુજૂન બ્રિટનમાં રહેવાની શક્યતાઓ શોધવા લાગી. એવામાં ૨૦૧૫ના સપ્ટેમ્બરમાં તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરુને વીસ હજાર શરણાર્થીઓને બ્રિટનમાં સમાવવાની મંજૂરી આપી. મુજૂને પિતાને આ વાત કરી અને પિતા બ્રિટન જવા રાજી થઈ ગયા.

જોર્ડનથી લંડન પહોંચનારો સીરિયાનો આ પ્રથમ શરણાર્થી પરિવાર હતો. લંડનમાં મુજૂનનો અભ્યાસ ચાલુ થયો. એની ઇચ્છા પત્રકાર બનીને શરણાર્થીઓની વાત, એમની વેદના વિશ્વ સુધી પહોંચાડવાની છે. એ કહે છે કે યુદ્ધ દરમિયાન પોતાના દેશનો વિનાશ થતો જોવો તે એક બાળક માટે કેટલું દુ:ખદાયક હોય છે !

મુજૂન અલમેલહનનું સ્વપ્ન છે કે વિશ્વની તમામ દીકરીઓને ભણવાની તક મળે અને કોઈનાં ય નાની ઉંમરમાં લગ્ન ન થાય. એ કહે છે કે, કૌટુંબિક સંબંધો હંમેશા કામ નથી આવતા. જ્યારે લગ્ન તૂટે છે ત્યારે શિક્ષણનું શસ્ત્ર કામ આવે છે. જો તમે શિક્ષિત નથી હોતા તો કોઈ તમને બચાવી શકતું નથી. ‘મલાલા ઑફ સીરિયા’ તરીકે ઓળખાતી મુજૂન યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર બનનારી સૌથી નાની ઉંમરની મહિલા તો છે, પણ સાથે સાથે એ ઓફિશિયલ રેફ્યુજી સ્ટેટસ ધરાવતી પ્રથમ એવી વ્યક્તિ છે જે યુનિસેફની એમ્બેસેડર બની છે.

ચનકા રેસીડેન્સી

બિહારના પૂર્ણિયા જિલ્લાના સાવ નાના એવા ગામ ચનકામાં ગિરીન્દ્રનાથનો જન્મ ખેડૂત પિતાને ત્યાં થયો. પિતા ઇચ્છતા નહોતા કે પુત્ર ખેતી કરે. આથી ઉચ્ચ અભ્યાસાર્થે દિલ્હી મોકલ્યો. દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ પત્રકારત્વનો અભ્યાસ કર્યો.

અખબારમાં નોકરી મળી અને કાનપુરમાં રહેવા લાગ્યા, પરંતુ એ સમયે વતનનો સાદ સંભળાતો હતો. પૂર્ણિયા ગામમાં જન્મેલા લેખક ફણીશ્વર નાથ રેણુ અને સંત કબીરના જીવનનો ગિરીન્દ્રનાથ પર ઘણો પ્રભાવ હતો, તેથી જ પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવાની સતત ઝંખના રહેતી. ૨૦૧૨માં પિતાને બ્રેઇન હેમરેજ થયું અને તેઓ પરિવાર સાથે ચનકા ગામમાં સ્થાયી થવા આવી ગયા.

ગિરીન્દ્રનાથ પોતાને ગામ તો આવી ગયા, પરંતુ પોતાના ગામમાંથી શહેર તરફ જતા લોકોને અટકાવવાનું અને શહેરના લોકોને ગામ સુધી પાછા લઈ આવવાનું તેમનું સ્વપ્ન અધૂરું હતું. એના માટે એમણે સૌથી પહેલું કામ તો ગામલોકોને સમજાવવાનું કર્યું અને જેની પાસે જમીન ન હોય, તેને પોતાની જમીન પર ખેતી કરવાનું કહ્યું.

ગામના બાળકો સાથે દોસ્તી કરીને વ્યસનનાં દુષ્પરિણામો દર્શાવતી ડોક્યુમેન્ટરી બતાવી. આ રીતે નશાવિરોધી અભિયાન ચલાવીને ગામડાને વ્યસનમુક્ત કર્યું. ગિરીન્દ્રનાથનું હવેનું કામ હતું શહેરના લોકોની ગામડાં પ્રત્યેની માનસિકતા બદલવાનું. ગામની કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને લોકસંગીતમાં રુચિ વધે તે માટે ‘ચનકા રેસીડેન્સી’ બનાવી.

એમની પાસે ગામ અને શહેરને જોડતું માધ્યમ છે એમનો ‘અનુભવ’ બ્લોગ. તેઓ નિયમિત બ્લોગ લખે છે, જેમાં ગામમાં ચાલતી પ્રવૃત્તિઓ, ફોટા અને અનુભવોનું આલેખન કરે છે. એમના આ બ્લોગને ૨૦૧૫માં  દિલ્હી સરકાર તરફથી સર્વશ્રેષ્ઠ હિદી બ્લોગનું સન્માન પ્રાપ્ત થયું છે.

એના દ્વારા જ ઑસ્ટ્રેલિયાના હિંદીના પ્રોફેસર ઇયાન વુલવર્ફ જે ફણીશ્વરનાથ રેણુ પર સંશોધન કરી રહ્યા છે તે ચનકા રેસિડેન્સીના પ્રથમ મહેમાન બન્યા હતા. એક બાજુ પાક લેવો જોઈએ તો બીજી બાજુ ટીમ્બર ટ્રી વાવવાં જોઈએ, જે ફિક્સ ડિપોઝીટનું કામ કરે છે, કારણ કે તેનું વળતર દસ પંદર વર્ષ પછી મળે છે. તેઓ કહે છે, ‘મારા માટે ખેતરે જવું તે ઓફિસે જવા બરાબર છે.’

સોશિયલ મીડિયાનો હેતુ માત્ર લોકો સુધી પહોંચવાનો જ નથી, પરંતુ ક્રાઉડ ફંડિગથી ઘણાં ઉમદા કાર્યો તેમણે કર્યા છે. બાળકોને અભ્યાસમાં સોલર ફાનસ અપાવ્યા છે. ૨૦૧૫માં ચનકામા યુનિસેફ દ્વારા ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન થયું એમનું સ્વપ્ન રૃરલ મ્યુઝિયમ બનાવવાનું પણ છે, જેમાં લાકડાનું હળ, બળદગાડી, મસાલા વાટવાનો પથ્થર, સંગીતના સાધનો, આદિવાસી સમાજના ઉપકરણો, ચિત્રો વગેેેર અનેક વસ્તુઓ હોય. તેઓ કહે છે કે આ કોઈ ક્રાંતિ નથી.

લોકોને માત્ર માર્ગદર્શન આપવાનું કામ છે કે તેમની આવક કેવી રીતે વધે અને જીવનધોરણ કેવી રીતે સુધરે. એમણે પોતાના અનુભવોની વાત ‘પ્યાર મેં માટી સોના’ પુસ્તકમાં કરી છે, જેનું વિમોચન જાણીતા પત્રકાર રવીશકુમારે કર્યું. તેઓ કહે છે કે, ‘ગામ મને મારી જાત સાથે જોડે છે અને ઇન્ટરનેટ બહારની દુનિયા સાથે. આ બંનેનો મેળાપ મારા જીવનને મજેદાર બનાવે છે.’

શેરીની અપાર વેદના

બાલિકા વધૂની સમસ્યા માત્ર ભારતમાં જ છે એવું નથી. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આ સમસ્યા કેવી છે તે શેરી જોનસનના જીવન વિશે જાણીએ, ત્યારે ખ્યાલ આવે. શેરી પોતાની માતા સાથે ફલોરિડાના ટેમ્પા શહેરમાં રહેતી હતી.

એના પિતા કોણ છે અને તે ક્યાં રહે છે એના વિશે શેરીને કશી ખબર નહોતી. માતા ચર્ચમાં કામ કરવા જતી હતી, પરંતુ એની આવકમાંથી ઘર ચાલી શકે એમ નહોતું, તેથી શેરીનું બપોરના જમવાની વ્યવસ્થા એનાં માસી કરતાં હતાં. માસીના ઘરની બાજુમાં જ પાદરીનું ઘર હતું. એક દિવસ પાદરીએ શેરીને જમવાના બહાને પોતાના રૃમમાં બોલાવી. આઠ વર્ષની શેરી નિર્દોષ ભાવે જેવી અંદર ગઈ કે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. એણે માતાને વાત કરી, પણ માતા એની વાત માનવા તૈયાર નહોતી.

પાંચમા ધોરણમાં ભણતી શેરીને સ્કૂલમાં રસીકરણ માટે મેડિકલ ચેક-અપ દરમિયાન ખબર પડી કે તે મા બનવાની છે. શિક્ષકે એને ધમકાવી, પરંતુ આ બધી ઘટનાઓમાં શેરી માટે સૌથી આઘાતજનક વાત તો એ હતી કે ચર્ચના પ્રાંગણમાં ઊભા રહીને એની માતાએ કહ્યું કે તે એની દીકરીના આવા કૃત્યને કારણે શરમ અનુભવે છે. એટલું જ નહીં એને પ્રસૂતિ માટે દવાખાનામાં એકલી મોકલી દેવામાં આવી. ત્યાં સમાજ કલ્યાણ અધિકારી તપાસ કરવા આવ્યા, ત્યારે માતાએ એને ગમે તેમ કરીને સમજાવી દીધા અને ૧૯૭૧માં દુષ્કર્મ કરનાર વીસ વર્ષના ટોલબર્ટ સાથે અગિયાર વર્ષની શેરીનાં લગ્ન કરાવ્યાં.

શેરી સત્તર વર્ષની ઉંમરમાં છ બાળકોની માતા બની ચૂકી હતી. શેરીમાં એટલી હિંમત નહોતી કે તે કોઈ વિરોધ કરી શકે, પરંતુ પતિનો ત્રાસ એટલો વધી ગયો કે ૧૯ વર્ષની ઉંમરે તેણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છ બાળકોના ઉછેરની ચિંતા અને સામાજિક દબાણ વચ્ચે એણે બીજા લગ્ન કર્યા, જે પતિ એનાથી ઉંમરમાં અઢાર વર્ષ મોટો હતો.

શેરીનું નસીબ બે ડગલાં આગળ હતું. પતિનો માર ખાતાં ખાતાં આ લગ્નથી તેને ત્રણ બાળકો થયાં. ૨૭ વર્ષની ઉંમરે નવ બાળકોની માતા શેરીને ઘણી વખત આપઘાતના વિચારો આવતા, પરંતુ બાળકોના ચહેરા સામે જોતી અને તેનું હૈયું પીગળી જતું. તે એવું કંઈ કરી શકી નહીં. છેવટે માતાના ઘરથી દૂર રહેવા જવાનો નિર્ણય કર્યો.

શેરી દિવ્યાંગ બાળકો સાથે કામ કરવા લાગી. જેણે એની કથની સાંભળી તે સહુ દંગ રહી ગયા. તેને બધાની સહાનુભૂતિ મળવા લાગી. ૨૦૧૨માં એણે બાળવિવાહ વિરુધ્ધ કાયદો બનાવવાની માંગણી કરી. એણે એક સંસ્થા સ્થાપી અને ઠેર ઠેર જઇને લોકોને બાલવિવાહ ન કરવા અંગે જાગૃત કરવા લાગી. લોકોનો સાથ- સહકાર મળવા લાગ્યો અને બાલવિવાહ વિરુધ્ધ કાયદો ઘડવાની માંગ ઉગ્ર થવા લાગી. છેવટે ૨૦૧૪માં તે કાયદા સંબંધી પ્રસ્તાવ તૈયાર થયો.

અઢાર વર્ષથી નાની ઉંમરનાં યુવક- યુવતીનાં લગ્ન ગેરકાયદેસર ગણાશે, એવી ખરડામાં જોગવાઈ કરવામાં આવી. ફલોરિડા રાજ્યના સેનેટમાં આ બીલને મંજૂરી મળી ગઈ છે. હવે એને કમિટીમાં રજૂ કરવામાં આવશે. આજે ૫૮ વર્ષની શેરી કહે છે કે, ‘મેં બાલવિવાહનું દર્દ સહન કર્યું છે. હું ઇચ્છું છું કે મારા દેશમાં હવે કોઈ બાળકી પર અત્યાચાર ન થાય. મારી આ દશા માટે સમાજની સાથે સાથે કાયદો પણ એટલો જ જવાબદાર છે.’

દીવે દીવો પેટાય

તેજા રામ અને રામી દેવી પોતાનાં ત્રણ બાળકોના સારા ઉછેર માટે રાત- દિવસ મહેનત કરતાં હતાં. રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત ગામમાં રહેતા તેજારામ સંખલા ફેક્ટરીમાં મહેંદીના બોક્સ ઊંચકવાનું કામ કરવા તો રામદેવી ચણાતા મકાનમાં મજૂરી કરતાં હતાં.

ગરીબીમાં સંતાનો જલદી મોટા થઈ જતા હોય છે એ ન્યાયે મોટો દીકરો રામચંદ્ર જોતો કે સાંજે માતા-પિતા થાક્યાં પાક્યા ઘરે આવે છે, તેથી માટીના ચૂલા પર રસોઈ કરીને તૈયાર રાખતો. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પિતાએ એને સરકારી હિન્દી સ્કૂલમાં ભણવા બેસાડયો, પરંતુ એ દસમા ધોરણમાં નેવું ટકા સાથે પાસ થયો, ત્યારે પરિવારે એમના ભાવિ જીવનમાં આશાનું કિરણ નિહાળ્યું.

રામચંદ્ર સંખલને સરકાર તરફથી સ્કોલરશિપ મળી, પરંતુ રામચંદ્ર કહે છે કે તે મેળવવા માટે જોધપુર સુધી કેટલાય ધક્કા ખાવા પડયા અને તેમાં બે હજાર રૃપિયા તો ભાડાના ખર્ચાઈ ગયા, પરંતુ સ્કોલરશિપના પૈસા ન મળ્યા. બારમા ધોરણના અભ્યાસ માટે પોતાના ગામથી ચાલીસ કિમી. દૂર પાલી ગયો. તેનાં માતા-પિતા રોજ બસમાં તેને ટિફિન મોકલતાં હતાં. રામચંદ્રને બારમા ધોરણમાં સિત્તેર ટકા જ આવ્યા, પરંતુ પાલીમાં રહેવાથી એને લાભ એ થયો કે આગળ શું ભણવું અને કઈ રીતે અભ્યાસ કરવો તેનો સ્પષ્ટ ખ્યાલ મળ્યો.

એણે આઈ.આઈ.ટી.ની પરીક્ષા ભારતમાં ૧૬૮૦મો રેન્ક મેળવીને પાસ કરી અને ૨૦૦૯માં આઈ.આઈ.ટી. રૃરકીમાં પ્રવેશ મેળવ્યો. આ સમાચાર સાંભળીને એના બાળપણના મિત્રનાં માતા-પિતા તેમના ઘરે ફીના પૈસા, નવાં કપડાં અને એક બેગ આપી ગયા.રૃરકીથી પહેલીવાર દિવાળી વેકેશનમાં રામચંદ્ર ઘરે આવ્યો, ત્યારે જ્ઞાાતિના લોકોએ ભેગા થઈને ત્રીસ હજાર રૃપિયા એકત્રિત કર્યા હતા કે જેથી તે લેપટોપ ખરીદી શકે.

બીજા સેમેસ્ટરની ફી માટે પિતાએ ફરી લોન લીધી. ત્યારબાદ રામચંદ્રને ત્રીસ હજારની સ્કોલરશિપ મળી, જેમાંથી એણે એના પિતા માટે મોપેડ લીધું, જે આજે પણ એના પિતા હોંશથી ચલાવે છે. એ પછી ઘરમાં રસોડું સરખું કરાવ્યું અને શૌચાલય બનાવડાવ્યું. ૨૦૧૩માં બી.ટેક.ની ડિગ્રી મળતાંની સાથે જ બેગાલુરુમાં ગુગલની ઓફિસમાં નોકરી મળી. આજે રામચંદ્ર અમેરિકાના સીઆટેલમાં ગુગલમાં સોફટવેર એન્જિનિયર તરીકે વર્ષે છત્રીસ લાખના પગારની નોકરી કરે છે.

રામચંદ્ર કહે છે કે પિતાએ ક્યારેય કોઈ પાસે હાથ લંબાવ્યો નથી અને લીધેલી લોન વ્યાજ સાથે ભરપાઈ કરી છે, પરંતુ સામાન્ય માણસ માટે આવી લોન લેવી દુષ્કર હોય છે. માતા-પિતાએ ઘણો સંઘર્ષ કર્યો હોવાથી હવે તેઓ આરામ કરે એવી રામચંદ્રની ઇચ્છા છે, પરંતુ તેજારામ તો કહે છે, ‘મને મારા પુત્ર માટે ગૌરવ છે, પણ આખી જિંદગી કામ કર્યા પછી ઘરે બેસવું ગમતું નથી અને કામ કરવાથી તબિયત સારી રહે છે.’ રામચંદ્રના પિતા આજે પણ એ જ કારખાનામાં નોકરી કરે છે અને માતા માટે રામચંદ્રે દોઢ એકર જમીન ખરીદી છે. તેમાં ખેતી સંભાળે છે. માતા-પિતાને ભણાવવા માટે શિક્ષક રાખ્યા છે.

રામચંદ્રને જે જે લોકોએ મદદ કરી, એમણે એની પાસેથી પૈસા પાછા લેવાનો ઇન્કાર કરીને કહ્યું કે એ ભાવનાને સમાજમાં આગળ વધારજે. આજે રામચંદ્ર દર શનિવારે કોટાના કોચિંગ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓને ફેસબુક દ્વારા માર્ગદર્શન આપે છે. વર્ષે એક મહિનાની રજા લઈને અનાથાશ્રમ અને જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવે છે. એની ઇચ્છા થોડી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી, સ્વદેશ પાછા ફરી સામાજિક કાર્યો કરવાની છે.