શબ્દો વગર ખુશીની અભિવ્યક્તિ

ભુજના મહેશભાઈ દવે એક પેન્શનરના પુત્ર છે. એ જન્મથી જ બોલી કે સાંભળી શકતા નથી. સરકારની નીતિ મુજબ પેન્શનરના શારીરિક અને માનસિક દિવ્યાંગ સંતાનોને આજીવન કુટુંબ પેન્શન મળી શકે. પરંતુ, (સરકારના મંતવ્ય મુજબ મૂક-બધિર માણસ પોતાની આજીવિકા જાતે કમાવવા માટે શક્તિમાન હોવાથી) મૂક-બધિર સંતાનોને કુટુંબ પેન્શન મળી શકતું ન હતું. મહેશભાઈ અને તેમના કુટુંબીજનો દ્વારા આ અંગે સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવી અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમમાં પણ આ અંગે રજુઆત કરવામાં આવી. તેમાં જિલ્લા તિજોરી અધિકારી, ભુજ એ જવાબ આપવાનો થયો. સરકાર દ્વારા મૂક-બધિર સંતાનને પેન્શન આપવા અંગે કોઈ જોગવાઈ ન હોવાથી સ્વાભાવિક રીતે એ મુજબ જ તત્કાલીન અધિકારી દ્વારા જવાબ અપાયો. પરંતુ, આ અંગે મહેશભાઈને વિકલાંગ કમિશ્નરની કચેરીમાં જવા અંગે કચ્છના માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહન અને સમાજ સુરક્ષા અધિકારી એ.પી.રહોડીયા દ્વારા સલાહ આપવામાં આવી. તેથી મહેશભાઈએ વિકલાંગ કમિશ્નરમાં રજુઆત કરી. આવી બાબતે કમિશ્નરને કેસ ચલાવવાની સત્તા હોવાથી આ અંગે કેસ ચાલ્યો જેમાં નાણા વિભાગના અધિકારીશ્રી પણ હાજર રહેલા. જેમાં મૂક-બધિર સંતાન પોતે આજીવિકા કમાઈ શકતા નથી એવું સમજાવવામાં મહેશભાઈ અને એમના ભત્રીજી રિદ્ધિબહેન સફળ રહયા. તેમના આ કેસના લીધે નાણા વિભાગ દ્વારા તા.૨૧/૧૨/૨૦૧૮ ના રોજ જન્મથી જ મૂક-બધિર સંતાનને આજીવન લઘુત્તમ કુટુંબ પેન્શન આપવા બાબતનો ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. જેથી મહેશભાઈને કુટુંબ પેન્શન મંજુર કરવા બાબતની આગળની કાર્યવાહી શરૂ કરી. જેમાં પેન્શનરની નિવૃત્તિ વખતની કચેરીએ કાર્યવાહી શરૂ કરવાની હતી. જે કાર્યવાહી ઝડપથી કરવા અંગે માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહન એ ભલામણ પણ કરી. તા.૦૧/૧૦/૧૯૯૯ પહેલા નિવૃત્ત થયેલ પેન્શનરના કિસ્સામાં આવું કુટુંબ પેન્શન ચૂકવવાનો હુકમ કરવાની સત્તા સંબંધિત તિજોરી અધિકારીને હોવાથી મારા દ્વારા આ અંગે હુકમ કરવામાં આવ્યો. માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહને આ કેસમાં અંગત રસ લીધેલ હતો. જેથી અમારી કચેરીનો આ હુકમ માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહનના હસ્તે આપવાનું નક્કી કર્યું. જે તા. ૨૦/૦૭/૨૦૧૯ ના રોજ આપવામાં આવ્યો. આ ઠરાવથી મહેશભાઈ જેવા સમગ્ર રાજ્યના પેન્શનરોને લાભ થશે. આમ, અધિકારીના હકારાત્મક વલણ અને માર્ગદર્શનથી કેટલા બધાને એનો લાભ થાય છે એ માનનીય કલેકટરશ્રી રેમ્યા મોહનની કાર્યશૈલીથી જાણી શકાયું.

આ હુકમ આપ્યા પછી મહેશભાઈએ એમના ભત્રીજીના માધ્યમથી જે ખુશી વ્યક્ત કરી છે તે આ વિડીયોમાં અનુભવી શકાય છે. મહેશભાઈના સંઘર્ષનો અંત જિલ્લા તિજોરી અધિકારી તરીકે મારી સહીથી થયેલ હુકમથી આવ્યો એ વાતનો મને આનંદ છે. આ કાર્યમાં અમારી કચેરીના પેન્શનનું કાર્ય સંભાળતા કર્મચારીઓએ પણ કર્તવ્યપરાયણતાથી સારી રીતે કાર્ય કર્યું. મહેશભાઈએ અભિવ્યક્ત કરેલી ખુશીથી અમને બધાને આ પ્રકારના બીજા પેન્શનરોને મદદ કરવાની પ્રેરણા મળી છે.