કોરોનાની પર્યાવરણ પર હકારાત્મક અસર !

કોઈ મહાન ચિંતક કમ વિજ્ઞાનીનું બુલેટ જેવું વાક્ય છે કે, જો બધી વનસ્પતિસૃષ્ટિ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જાય તો માનવજાત છ મહિનામાં ખતમ થઈ જાય. પણ જો માનવજાત છ મહિના અદ્રશ્ય થઈ જાય તો પૃથ્વી પરની તમામ જીવસૃષ્ટિ ખીલી ઉઠે. માણસોનો ઉપદ્રવ આ પૃથ્વી ઉપર સૌથી વધુ છે એ સત્ય કોરોના વાઇરસના રોગચાળાએ સાબિત કરી બતાવ્યું.

દરેક ખંડના અડધાથી વધુ દેશો લોકડાઉનની સ્થિતિમાં છે. માનવજાતે મને કમને પોતાની પ્રવૃત્તિઓની તીવ્રતા શિથિલ કરી નાખવી પડી છે. માણસોની અવરજવર સુષુપ્તાવસ્થામાં છે. આખી પૃથ્વીનો જો અવાજ હોય તો અત્યારે તે સૌથી ધીમા વોલ્યુમમાં છે અને આવું વીસમી સદીમાં પણ એકેય વખત થયું ન હતું. રસ્તા ઉપર કાળા માથાના પ્રાણીઓ સૌથી ઓછા દેખાય છે માટે કુદરતને ફરી એક વખત ખીલવાનો મોકો મળ્યો છે.

ઇટાલીની સ્થિતિ જગજાહેર છે. કોરોનાના રોગચાળાનું એપિસેન્ટર વુહાનને બદલે ઇટાલીમાં શિફ્ટ થઈ ગયું છે અને હજારો લોકો હોસ્પિટલના બિછાને અવસાન પામ્યા છે. ઇટાલીના એક પણ ઘરનો દરવાજો ખુલ્લો નથી. ઈટાલીનું વિશ્વવિખ્યાત શહેર વેનિસ પાણીમાં છે.

એ શહેરના એક સ્થળેથી બીજે જવા માટે બોટનો ઉપયોગ થાય છે. છેલ્લા પંદર દિવસથી ત્યાં વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સિત્તેર વર્ષ પછી પહેલી વખત વેનિસના પાણીમાં ડોલ્ફિન માછલીઓએ દર્શન આપ્યા. માનવસર્જિત યાંત્રિક ઘોંઘાટ અને પ્રવાસીઓને કારણે સતત થઈ રહેલા પ્રદૂષણને કારણે એ વિસ્તારમાં માણસો સિવાય બીજો એક પણ જીવ એની મરજીથી રહેતો નહીં. હવે પાણીમાં માછલીઓ દેખાય છે. ફક્ત બે અઠવાડિયાની અંદર ઇટાલીની કુદરત સોળમાંથી કમ સે કમ દસ કળાએ તો ખીલી ઉઠી છે. અને એ પણ આટલા ટૂંકા ગાળામાં !

સિંગાપોર પ્રવાસી ઉપર નભતો દેશ છે. તે દેશના વડાએ તો અઠવાડિયા પહેલા ટીવી ઉપર આવીને પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું અને કાયદેસરના પગલાં લઈને કોરોના વાયરસને દેશમાં આવતો અટકાવ્યો હતો. આજે સિંગાપોરના તમામ પ્રવાસન સ્થળો બંધ છે. સિંગાપોરની સડકો પર બતક અને બીજા પ્રાણીઓ નિર્ભિક રીતે ફરી રહ્યા છે. દુબઇ અને આરબ દેશો પણ કોરોનાથી ભયભીત છે. ત્યાં પણ પ્રવાસીઓનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હવે તો વિદેશીઓના આગમન પર પ્રતિબંધ આવી ગયો છે.

સંયુક્ત આરબ અમીરાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આરબ દેશોનું સરેરાશ તાપમાન પણ નીચું ગયુ છે. એરોપ્લેન અને બીજા વાહનોનું પ્રદુષણ ઓછું થયું માટે હવા ઠંડી થઈ અને શુદ્ધ પણ થઈ. ઇઝરાયેલના તેલ અવિવ શહેરમાં પહેલી વખત ઇજિપશ્યન ગીધ દેખાયા. બાકી ઇઝરાયેલનું આકાશ મહદઅંશે ખાલી રહેતું હોય છે પણ હવે તે પક્ષીઓના કલબલાટથી ગુંજવા લાગ્યું છે.

અમેરિકા આખું શટડાઉન સ્થિતિમાં છે. બધા પ્રાણીબાગ બંધ કરવામાં આવ્યા છે. શિકાગોનું વિખ્યાત માછલીઘર બંધ કરવામાં આવ્યું છે. પણ એમાં રહેતા પેંગ્વીનને એકવેરિયમમાં લટાર મારવાની છૂટ છે. પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. તેમને એક ચોક્કસ અને ફરજિયાત રૂટીન અનુસરવામાંથી મુક્તિ મળી છે. પિંજરામાં રહીને પણ મનુષ્યની ગેરહાજરીના કારણે તેઓ જાણે સ્વતંત્રતાના રમ્ય દિવસો પસાર કરી રહ્યા છે.

ચાઇનાના પાંડાની પણ આ જ સ્થિતિ છે. તેઓને કોરોનાને કારણે લાંબુ વેકેશન મળી ગયું છે અને વાંસના વૃક્ષો વચ્ચે ઝૂલવા મળે છે. જે જે દેશમાં કોરોનાની અસર થઈ છે તે બધા જ દેશોની મનુષ્યતેર જીવસૃષ્ટિ આનંદમાં છે. માનવજાતે પ્રાણીઓના તે આનંદમાંથી શરમ અનુભવવાની જરૂર છે.

કુદરત સાથેનું સહજીવન મનુષ્યની ફરજનું પ્રાથમિક ચરણ હોવું જોઈએ. આ બહુરત્ના વસુંધરામાં માણસો સિવાય બીજા અનેક જીવો વસે છે. જેને આપણે શાંતિથી જીવવા નથી દેતા. વાહનોનો અવરજવર ઘટવાના કારણે વાતાવરણમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટયું છે.

જે વનરાજી માટે આશીર્વાદરુપ છે અને હરિયાળી ઉપર નભતા અનેક કીટકો અને પ્રાણીઓ માટે તે ફાયદારૂપ છે. જીવસૃષ્ટિનો આખો પિરામિડ કીટકોથી શરૂ થતો હોય છે. અશુદ્ધ હવા, પાણી અને જમીન બધાને નુકસાન કરતા હોય છે. કુદરતને સાચવતા આપણને આવડતું નથી માટે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોના આપણા માટે અભિશાપ જેવો હશે પણ વન્યસૃષ્ટિ માટે વરદાનરૂપ સાબિત થયો છે. આ સત્ય છે.