જય જય ગરવી ગુજરાત

garvi gujarat

૧૯૬૦ની ૧લી મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને સને-૨૦૧૦માં રાજ્યની સુવર્ણ જયંતિ ઉજવવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી નર્મદની પ્રચલિત પંક્તિઓ ‘જય જય ગરવી ગુજરાત’ને સુયોજિત કરવાનું કાર્ય, વિખ્યાત સંગીતકાર એ.આર.રેહમાનને સોંપવામાં આવ્યું.

આ ગીતના ફિલ્માંકનનું કામ સોંપાયું, ભરત બાલા પ્રોડક્શનને જેમણે રાષ્ટ્ર ગીત જન ગણ મન સહીત એ.આર.રેહમાનના વંદે માતરમ આલ્બમના વીડિયો બનાવ્યા હતા જે અત્યંત લોકપ્રિય થયા હતા..

કવિ શ્રી નર્મદના ગીત ‘જય જય ગરવી ગુજરાત’ના શબ્દોની સાથે નવા ગીતકારો દિલીપ રાવલ, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી, અને ચિરાગ ત્રિપાઠીએ પોતાના શબ્દોથી ગીતમાં નવો ઓપ લાવીને મૂળભૂત ગીતને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે..

ભરત બાલા પ્રોડક્શને તૈયાર કરેલા અને એ.આર.રેહમાન દ્વારા સંગીતબદ્ધ થયેલા આ ગીતમાં હરીહરન, સાધના સરગમ, સચિન-જીગર, કીર્તિ સાગઠીયા સહીત અનેક દિગ્ગજોએ આવાજ આપ્યો. નવું તૈયાર થયેલું આ ગીત 1-મે 2010ના રોજ રીલિઝ થયું અને ખૂબ જ લોકચાહના પામ્યું.

તો પ્રસ્તૂત છે જેને સાંભળીને દરેક ગુજરાતીનું સેર એક લોહી ચડી જાય એવા ‘જય જય ગરવી ગુજરાત’ના શબ્દો.

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર, છે શોભા મારી,
ધન્ય હું થઈ ગયો, અહીં જન્મ છે મારો થયો,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું, ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

કંઈ સિદ્ધ કર્યા વ્યાપાર મેં દરીયા પાર, ગુજરાતી હું છું,.
મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું,.
મારી રગ-રગમાં કરૂણા સેવા સહકાર, ગુજરાતી હું છું,.
હર આફત સામે ઉભો બની પડકાર, ગુજરાતી હું છું,.
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

પાંખના આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું, કહી રહ્યું છે હવે બોલ તું,
કંઈક દ્વાર હજું ખોલવાના છે, કંઈક ઝરૂખા બંધ છે,
મુટ્ઠીઓમાં મારી ઉછળી જે રહ્યા સાત સૂરજના છંદ છે,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

એક દોરો મારી પાસે છે, તો એક દોરો તારી’યે પાસે છે,
સાથ સૌ મળી વણીયે એક નદી કાલ ને કે’જે ખાસ છે,
અંજલીમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સુરીલી આસ છે,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દેશનું ઘરેણું ગુજરાત..

સાથોસાથ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિ, રાજ્યની ધરોહર જેવા સ્મારકો અને આહલાદક સ્થળોની ઝાંખી કરાવી છે એવું આ ગીત નીચે જુઓ !

Youtube Link

ગુજરાતના ૬૦માં સ્થાપના દિવસે વિશ્વના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીને શુભેચ્છાઓ…

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…