અનાથ બન્યો આધાર

નાગાલૅન્ડમાં આઇ.એ.એસ. અધિકારી મોહમ્મદ અલી શિહાબ દૂર-દૂરના અને દુર્ગમ જિલ્લાઓમાં મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેટલો જ જીવનસંઘર્ષ એમણે આઇ.એ.એસ. બનવા માટે પણ કર્યો છે. કેરલના મલ્લાપુરમ જિલ્લાના એડવન્નાપરા નામના સાવ નાનકડા ગામમાં એમનો જન્મ થયો હતો.

નિશાળના અભ્યાસ સમયે મોહમ્મદ કોઈને કોઈ બહાનું શોધીને નિશાળેથી ભાગી જતો એના મનમાં બસ એક જ સ્વપ્ન રમતું હતું – પોતાની દુકાન ખોલવાનું ! જો કે સ્કૂલેથી ભાગી જવાનું એક કારણ અસ્થમાપીડિત પિતાને મદદ કરવાનું પણ હતું. તેમને મદદ કરવા માટે તે પાનની દુકાને અથવા બીજે વાંસની ટોપલી વેચવા જતો, પરંતુ એની અગિયાર વર્ષની ઉંમરે પિતા કોરોન અલીનું અવસાન થયું. માતા ફાતિમા પાંચ બાળકોનું ગુજરાન ચલાવી શકે તેમ નહોતી. તેથી એક પુત્ર અને બે પુત્રીઓને કોઝીકોડના અનાથાશ્રમમાં મોકલવા પડયા.

અનાથાશ્રમમાં રહેવાથી મોહમ્મદ શિહાબના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું. એનું જીવન શિસ્તબદ્ધ બન્યું. રાત્રે આઠ વાગે જમીને સૂઈ જવાનું. અડધી રાત્રે ઊઠીને ચાદરની નીચે ટોર્ચના પ્રકાશમાં વાંચતા, જેથી સાથે રહેતા મિત્રોની ઊંઘ ન બગડે . આ રીતે સ્કૂલનો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ આવ્યા. તેઓ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા હતા. પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે તેમણે પીટીસી કર્યું અને પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મેળવી.

આ સમય દરમિયાન એમણે રાજ્ય કક્ષાની સેવા આયોગની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ ક્લાર્કની નોકરી કરતા કરતા કાલિકટ યુનિવર્સિટીમાં ઇતિહાસના વિષયમાં બી.એ. કર્યું. સિવિલ સર્વિસની પરીક્ષા વિશે એમને કંઈ ખબર નહોતી. જ્યારે નોકરીના ઇન્ટરવ્યૂમાં એમને સિવિલ સર્વિસની પરીક્ષા વિશે વારંવાર પૂછવામાં આવ્યું, ત્યારે એમણે એ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. અનાથાશ્રમમાંથી આર્થિક મદદ મળી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી.

આ બધું કરવામાં તેમની ઉંમર થઈ ગઈ હતી, લગ્ન થયા હતા અને નવ મહિનાનું બાળક પણ હતું. ઉંમર થઈ જશે તો તક હાથમાંથી સરી જશે એમ માનીને એમણે ખૂબ મહેનત કરી, પોતાની માતૃભાષા મલયાલમમાં મુખ્ય પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ દુભાષિયાની મદદથી આપ્યો. છેવટે ૨૦૧૧માં તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી અને દિલ્હી ગયા.

ત્યાં લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ આપવામાં આવી, નોકરીના દરેક પાસાંની સમજ આપવામાં આવી તથા ત્યાંની ભાષા શીખવવામાં આવી, કારણ કે એમને નાગાલૅન્ડના દીમાપુર જિલ્લાના આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કામ કરવાનું હતું.

આજે તેઓ મલયાલમ જેટલી જ સરળતાથી નાગમીઝ ભાષા બોલી શકે છે. મ્યાંમારને અડીને મોન જિલ્લામાં પણ કામ કર્યું. ૨૦૧૭માં તેમની બદલી કૈફાઈર જિલ્લામાં થઈ પ્રધાનમંત્રી અને નીતિ આયોગે ૧૧૭ મહત્ત્વકાંક્ષી જિલ્લાની યાદી બહાર પાડી છે તેમાં નાગાલૅન્ડનો આ એક માત્ર જિલ્લો સામેલ છે.

કૈફાઈર એ ભારતનો સૌથી દૂર અને દુર્ગમ જિલ્લો છે. દીમાપુરથી પહાડી વિસ્તારોમાં થઈને પહોંચતા બારથી પંદર કલાક લાગે છે. અહીં ઘણા આદિવાસીઓ વસે છે. મ્યાંમારની સરહદ સાથે જોડાયેલા આ જિલ્લામાં ઘણાં પ્રશ્નો છે, પરંતુ સૌથી મોટી સમસ્યા સામાજિક અને આર્થિક પછાતપણાની છે, તેથી મોહમ્મદ શિહાબ સૌપ્રથમ શિક્ષણ, કૃષિ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેકિંગ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી રહ્યા છે.

અહીં મુખ્યત્વે રાજમા અને મકાઈની ખેતી થાય છે, જેના માટે બહાર મોટું બજાર છે, પરંતુ કૈફાઈરથી દીમાપુર મોકલવાનો ખર્ચ ઘણો આવે છે. શિહાબ કહે છે કે આ બધું કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ કરીશું ચોક્કસ. તેઓ શાંતિપૂર્વક બે ચૂંટણીઓ કરાવવામાં સફળ રહ્યા છે. તેઓ આદિવાસી સાથે સંબંધ સુધારવા માટે તેમના નેતાઓને મળે છે અને વારંવાર ચર્ચમાં પણ જાય છે.

તેઓ કહે છે, ‘હું અનાથ હતો અને મારો જિલ્લો પણ અનાથાલય જેવો છે. પિતાના મૃત્યુ પછી હું કુટુંબથી અલગ પડી ગયો અને મારો જિલ્લો પણ બાકીની દુનિયાથી એકદમ અલગ છે, પરંતુ ટાંચા- સંશાધનો અને મર્યાદિત તકો વચ્ચે અહીંના લોકોએ મને શીખવ્યું કે દરેક અવસરને ઉત્સવ જેવો માનવો અને એમ પણ નાગાલૅન્ડને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે.’

મોહમ્મદ શિહાબ કૈફાઇર જિલ્લાનો વિકાસ કરવા દ્રઢ મનોબળથી કામ કરે છે. એમણે મલયાલમ ભાષામાં ‘વિરલાટ્ટમ’ (આંગળીઓ) નામની આત્મકથા લખી છે. તેઓ આજના યુવાનોને કહે છે કે, ભારત બહુ મોટો દેશ છે તેમાં તકની કોઈ કમી નથી. સખત મહેનત અને દ્રઢતા સાથે આગળ વધશો તો ચોક્કસ સફળ થશો.